બગસરા પાલિકા દ્વારા શાકમાર્કેટમાં વર્ષોથી દબાણ કરીને બેઠેલા લારીધારકો માટે નવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા માટે તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત શાકમાર્કેટમાં વ્યવસ્થા માટે પાલિકા દ્વારા બે કર્મચારીની નિમણૂક કરી છે. બગસરા શહેરની શાકમાર્કેટમાં પ્રવેશ કરવો માથાના દુઃખાવા સમાન થઇ ગયો હતો. થોડા સમય પહેલાં પાલિકા દ્વારા દંડ કરી સપાટો બોલાવવામાં આવતા સ્ટોલ ધારકો તેમજ લોકોએ હાશકારો લીધો હતો. તેમજ આ માર્કેટમાં જ્યાં ત્યાં ગંદકીના ગંજ જામેલા હતા તેની પણ સફાઈ કરવામાં આવી હતી. વધુમાં જ્યારથી શાકમાર્કેટની અંદર બનેલ યુરિનલ પણ ચાલુ કરવા ચીફ ઓફિસર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આ બાબતે બગસરા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી શાકમાર્કેટનું રીનોવેશન કરી નૂતન બનાવવામાં આવશે, નવી વ્યવસ્થા ઊભી કર્યા બાદ કોઈપણ વેપારીને રસ્તામાં લારી રાખી ઉભા દેવામાં આવશે નહીં, આવું કરનાર તમામને દંડ ફટકારવામાં આવશે. તેમજ શાકમાર્કેટ માટે હાલ બે કર્મચારીઓની કાયમી નિમણૂક કરી હોવાનું પણ જણાવ્યું હતું.