ચૂંટણી જીતી શકે તેવા દાવેદારોને સાઈડલાઈન કરવાનો પેંતરો
ભાજપના પાયાના કાર્યકરોને ટિકીટ મળવાના ફાંફા, આયાતુ દાવેદારો માટે લાલજાજમ

બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી જીતી શકે તેવા દાવેદારોને સાઈડલાઈન કરવામાં આવતા હોવાની ચર્ચાએ જાર પકડ્યુ છે. જેથી આવનારી ચૂંટણીમાં ભાજપ માટે પાલિકા કબજે કરવી મુશ્કેલ દેખાઈ છે. પાર્ટીના અમુક આગેવાનોની નીતિથી સ્થાનિક ભાજપમાં નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યાં છે. બગસરા નગરપાલિકાની ગત ચૂંટણીમાં ભાજપે ર૦ બેઠકો કબજે કરી સત્તા હાંસલ કરી હતી. જયારે કોંગ્રેસને ફાળે માત્ર ૮ બેઠક જ ગઈ હતી. જા કે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવતા ત્રિપાંખીયો જંગ ખેલાશે. ભાજપ કાર્યકરોમાંથી જાણવા મળતી માહિતી મુજબ નગરપાલિકાની ચૂંટણીમાં જીતી શકે તેવા દાવેદારોને સાઈડલાઈન કરવાનો પેંતરો ઘણા દિવસોથી ચાલી રહ્યો છે તો અન્ય પક્ષને ફાયદો કરવાના હેતુથી સક્ષમ દાવેદારોને વોર્ડ બદલવાની ફરજ પાડવામાં આવી હોવાની ચર્ચાએ જાર પકડ્યુ છે. આશ્વર્યની વાત તો એ છે કે વર્ષોથી ભાજપ સાથે જાડાયેલા પાયાના કાર્યકરોની ટિકીટ કાપી અન્ય પક્ષમાંથી આવતા દાવેદારો માટે લાલજાજમ પાથરવામાં આવી રહી છે. બગસરા નગરપાલિકામાં પ્રદેશ ભાજપના આદેશનો જાણે સરેઆમ ઉલાળીયો થતો હોય તેવુ કાર્યકરો રોષ સાથે જણાવી રહ્યાં છે. બગસરા પાલિકા કબજે કરવાને બદલે અમુક આગેવાનો તારો-મારો ઉમેદવાર કરી રહ્યાં છે. જા કે ભાજપની આવી નીતિ રહી અને પક્ષને ઉભો કરવામાં મહેનત કરનાર કાર્યકરોને સાઈડલાઈન કરવામાં આવે તો શહેર ભાજપમાં નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યાં છે.