બગસરામાં છેલ્લાં પાંચ દિવસથી કમોસમી વરસાદ પડતા ખેડૂતોની સાથે હવે વેપારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં તાલુકા શાળા પાસે ગટરના પાણી ઉભરાઈને રોડ પર આવી ગયા હોવા છતાં પાલિકા દ્વારા આ બાબતે કોઈ કામગીરી કરવામાં ન આવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. બગસરામાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થઈ રહ્યુ છે ત્યારે તાલુકા શાળા પાસે છેલ્લાં પાંચ દિવસથી ગટરના ગંધાતા પાણી ઉભરાઈને રોડ પર આવી જતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ અંગે શહેરીજનોએ જણાવ્યુ હતું કે, મુખ્ય માર્ગ પર ગટરના ગંધાતા પાણી ફરી વળ્યા છે. શાસક પક્ષોને માત્ર મલાઈમાં જ રસ છે. વેપારીઓ કે રાહદારીઓની હાલાકીનો કોઈ ખ્યાલ જ નથી. વેરા વધારામાં અવ્વલ રહેનારી નગરપાલિકા સાફ-સફાઈમાં છેલ્લાં નંબરે છે. આમ, કમોસમી વરસાદ વરસતા જ મેઘરાજાએ નગરપાલિકાની પોલ ખોલી નાખતા વેપારીઓ અને રાહદારીઓમાં ગટરના ગંધાતા પાણીને લઈ રોષ ફેલાયો છે.