ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે કૃષિ સહાયક યોજનાઓ હેઠળ ન્યુ એજીસ ખાતર જેવા કે નેનો યુરીયા અને નેનો ડી.એ.પી. ની ખરીદી પર તમામ ખેડૂતો માટે વિશેષ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને નેનો ખાતરમાં હેક્ટર દીઠ યુનિટ કોસ્ટ અથવા ખરીદ કિંમતના ૫૦ ટકા કે રૂપિયા ૭૫૦ની મર્યાદામાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળશે. આ લાભ એક ખાતા દીઠ વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે અને યોજનાનો લાભ સંપૂર્ણપણે ‘વહેલા તે પહેલા’ ના ધોરણે આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક બગસરા તાલુકાના તમામ ખેડૂતોએ પોતાના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરી નિયત થયેલ અધિકૃત વિતરક સંસ્થા ‘શ્રી બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી’ અથવા ‘એગ્રી બિઝનેસ સેન્ટર-૧ (શ્રીનાથજી એગ્રો)’ ખાતે જઈને ખરીદી કરવાની રહેશે. ખેડૂતોએ પોતાની સાથે જમીનનું રેકોર્ડ ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ અને ગ્રામસેવકનો સહાય મેળવવા માટેનો દાખલો કે પ્રમાણપત્ર સાથે રજૂ કરવાનું રહેશે. આ યોજના અંગે વધુ માહિતી માટે ખેડૂતોએ તાલુકા કક્ષાએ ખેતીવાડી કચેરીના વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા ગ્રામસેવક (ખેતી) નો સંપર્ક કરવાનો રહેશે.









































