બગસરા તાલુકાના માવજીંજવા ગામમાં વીજચોરીનું ચેકિંગ કરવા આવેલી PGVCLની ટીમ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગ્રામજનોએ મેન્ટેનન્સની કામગીરી ન કરવા બદલ રોષ વ્યક્ત કરતા ટીમને ખરી-ખોટી સંભળાવી હતી, જેના કારણે ટીમે દોઢ કલાકમાં જ કામગીરી આટોપીને પરત ફરવું પડ્‌યું હતું. ભાવનગર અને અમરેલીની PGVCL કચેરીની ટીમે માવજીંજવા ગામમાં ચેકિંગ દરમિયાન રૂ.૧,૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. ગામના લોકોએ લાંબા સમયથી વીજળીના મેન્ટેનન્સની માંગણી કરી હતી, પરંતુ આ માંગણીને અવગણીને સીધા ચેકિંગ માટે ટીમ આવતા ગ્રામજનો ભડક્યા હતા. આ ઘટના દરમિયાન ગામના ઉપસરપંચ મુન્નાભાઈ સભાડીયાએ પોલીસની હાજરીમાં જ વીજકર્મીઓને “ટાંટિયા ભાંગી નાખવાની” ધમકી આપી હતી. આ ધમકી અને લોકોના આક્રોશના કારણે સંઘર્ષની સ્થિતિ સર્જાતા PGVCLની ટીમ દોઢ કલાકમાં જ પરત ફરી ગઈ હતી. આશ્ચર્યજનક રીતે, આ અંગે હજુ સુધી કોઈ ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાઈ નથી. ઉપસરપંચ મુન્નાભાઈએ જણાવ્યું કે, “૨૦૧૫થી ગામમાં મેન્ટેનન્સ થયું નથી. વાયરો નીચે લટકતા હોવાથી પાવર સપ્લાય પૂરો મળતો નથી.” તેમણે આક્ષેપ કર્યો કે અગાઉ મેન્ટેનન્સ માટે અરજી પણ કરવામાં આવી હતી તેમ છતાં વીજકર્મીઓ ચેકિંગના નામે લોકોને પરેશાન કરવા આવે છે.