બસ રૂટ બંધ થવાથી મુસાફરોને ભારે હાલાકી
બગસરા, તા.૧૬
બગસરા ડેપો મેનેજરની અણઆવડતથી અનેક બસ રૂટ બંધ કરવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. બગસરાથી રાજકોટ વાયા જેતપુર તેમજ રાજકોટ બગસરા વાયા દલખાણીયા જેવી અનેક બસો બંધ હોવાથી લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે. ડેપોમાંથી ઉપડતી બગસરા રાજકોટ તેમજ બગસરા મેંદરડા જેવા ભરચક ટ્રાફિક વાળા રૂટ કાપી નાખવામાં આવતા પેસેન્જરો રઝળી પડ્‌યા હતા. જયારે બગસરા વિછિયા તેમજ બગસરા રાજકોટ વાયા જેતપુર જેવા અનેક રૂટ ડેપો મેનેજર દ્વારા મનમાની કરી બંધ કરવામાં આવ્યા હતા. સવારની ૫ઃ૩૦ કલાકે ઉપડતી બગસરા રાજકોટ વાયા જેતપુર અને સવારે ૭ કલાકે ઉપડતી બગસરા રાજકોટ તેમજ સવારે ૮ કલાકે ઉપડતી બગસરા મેંદરડા જેવી બસો બંધ કરવામાં આવતા પેસેન્જરો દ્વારા પૂછપરછ ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ડેપો મેનેજર તેમજ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકારે મુકેલા આવા અધિકારીઓ લોલંલોલ ચલાવી રહેલ છે. આવા અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી હતી. આવા અધિકારીઓના લીધે ખાનગી વાહનોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આમ છેલ્લાં ઘણા સમયથી બગસરા ડેપોનો વહીવટ ખાડે ગયો હોવાથી મુસાફરોમાં ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે. ડેપોમાં જયારે પૂછવામાં આવે કે કેમ બસો બંધ રાખવામાં આવે છે ત્યારે ફક્ત એક જ જવાબ આપવામાં આવે છે કે સ્ટાફ નથી ઘટે છે પરંતુ હાલમાં અમુક ડ્રાયવર તેમજ કંડક્ટરને અન્ય કામગીરીમાં મુકવામાં આવે છે. તો જો આવું કરવામાં ન આવે તો કાયમી ચાલતા રૂટ ચાલુ રાખી શકાય તેમજ નવા રૂટ પણ ચાલુ કરી શકાય જયારે આવા ૮ થી ૧૦ કર્મચારીઓને બીજી અન્ય કામગીરીમાં મુકવામાં આવે છે. હકીકતમાં અહીંયા ખાલી પડેલી જગ્યા ઉપર એવા ડ્રાયવરો અને કંડક્ટરોને મુકવામાં આવે છે જે પોતાના કામ કરી શકે અને બેઠા બેઠા પગાર લઇ શકે. ડેપો મેનેજરની મીલીભગતથી પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહીંયા એ.ટી.આઈ. ની પણ જગ્યા ખાલી પડેલ છે તેમ છતાં અહીંયા ખાલી પડેલ જગ્યા ઉપર કોઈ આવવા પણ તૈયાર નથી આટલી હદે કથળી ગયેલ વહીવટથી લોકોમાં નારાજગી જોવા મળી છે. આવી ઘોર બેદરકારી દાખવતા અધિકારી ઉપર ઉચ્ચ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.