બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે નવા ચૂંટાયેલા સાંસદ ભરતભાઈ સુતરીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાભરના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું. સાંસદ ભરતભાઈ સુતરીયાએ આ પ્રસંગે ચૂંટણી સમય દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને યાદ કરીને હળવી ટકોર કરી હતી. તેમણે કહ્યું કે “આજે મારો વારો છે, ક્યારેક તમારો પણ વારો આવશે.” જોકે, આ ટકોરને લઈને કેટલાક ગણગણાટ પણ સંભળાયા હતા. કારણ કે, બગસરા શહેર અને તાલુકાના મોટાભાગના બૂથમાંથી સાંસદને સારી લીડ મળી હતી. સૂત્રો અનુસાર, ચૂંટણી દરમિયાન બગસરાના એક ચૂંટાયેલા પદાધિકારીએ ભરતભાઈ સુતરીયા વિરુદ્ધ બેનરો લગાવ્યા હતા અને તેમની વિરુદ્ધમાં મતદાન કરવા માટે પ્રચાર કર્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને જ સાંસદ દ્વારા આ પ્રકારની ટકોર કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. જોકે, સમારોહના અંતે સાંસદે સૌને ભૂતકાળ ભૂલીને લોક વિકાસના કાર્યોમાં જોડાવા આહ્‌વાન કર્યું હતું.