બગસરામાં જૈન સમાજના સહયોગથી ઘણા વર્ષો પહેલા પાંજરાપોળ માટે જમીન અનામત રાખવામાં આવેલ હતી. બગસરાના ગૌસેવકો દ્વારા આ જમીન પર પાંજરાપોળનો પુનઃપ્રારંભ કરવામાં આવશે. વિગત અનુસાર બગસરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગૌસેવકો દ્વારા બીમાર અને નિરાધાર ગૌવંશ માટે અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. બગસરામાં જૈન સમાજ દ્વારા વર્ષો પૂર્વે પાંજરાપોળ માટે જમીન અનામત રાખી હતી. જેના પર ગૌસેવાની
પ્રવૃત્તિ પહેલા કરવામાં આવતી હતી. ધીમે ધીમે જૈન સમાજની વસ્તી બગસરામાંથી ઓછી થતા આ કાર્ય થંભી ગયું હતું પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના વક્તા વિવેક સ્વરૂપ સ્વામી પણ ગૌવંશને બચાવવા માટે કથા વાંચન કરી લોકોને પ્રેરણા આપી રહ્યા છે. આ તમામ પ્રયત્નોને કારણે ગૌસેવકોના સંકલ્પથી ૭ ડિસેમ્બરને રવિવારના રોજ પાંજરાપોળનો પુનઃપ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બગસરા તથા આજુબાજુના વિસ્તારના અનેક મહાનુભાવો અને ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.