બગસરા ખાતે લોકભારતી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કુમાર છાત્રાલયમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટીઓએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને સન્માન કર્યું હતું. ગૃહપતિ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વૈષ્ણવજન ભજન અને ધૂન કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવો – કોટડીયા, પ્રિન્સિપાલ જેઠવા, શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી તેમજ દાફડાએ ગાંધીજીના જીવન-કવન વિશે પ્રવચન આપી વિદ્યાર્થીઓને તેમના આદર્શોથી માહિતગાર કર્યા હતા. ટ્રસ્ટી મૂળજીભાઈ મહીડાએ સ્વાગત પ્રવચન કરીને તમામ મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજી વિશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એકથી ત્રણ નંબર મેળવનારા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ તેમજ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા.