બગસરા એસ.ટી. ડેપોના અધિકારીઓ દ્વારા પોતાની મનમાની કરી વધુ આવક ધરાવતી બસો બંધ કરવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે. બગસરાથી સવારે ૭ કલાકે રાજકોટ જતી અને વધુ આવક ધરાવતી વર્ષો જુની બસને બંધ કરવામાં આવતા અપ-ડાઉન કરતા લોકો તેમજ અનેક મુસાફરો પરેશાન થઈ ગયા છે. આ ઉપરાંત બગસરાથી રાજકોટ વાયા જેતપુર સવારની ૫.૩૦ કલાકની તેમજ બગસરાથી જૂનાગઢ સવારે ૫.૩૦ કલાકે ઉપડતી બસ તેમજ બગસરાથી વડીયા વાયા રાજકોટ બપોરના ૨ કલાકે ઉપડતી બસ જેવી ઘણી બસ પણ બે દિવસથી બંધ કરવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રૂટના અમુક ગામોમાંથી વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં આવતા હોય છે. આ બસો બંધ કરતા વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આ બાબતે એક જાગૃત નાગરિક તેમજ પેસેન્જર દ્વારા ડેપો મેનેજર અને અમરેલી ડી.સી.ને અનેક વખત ફોન કરવા છતાં ફોનમાં પણ જવાબ આપતા ના હોવાથી મુસાફરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે પેસેન્જર દ્વારા પેસેન્જર એસોસિએશનને આ બાબતે રજૂઆત કરવા આવેલ હોવાથી એસોસિએશન દ્વારા અધિકારીને ફોન કરવાથી તેમના કહેવા મુજબ ડ્રાઇવર ન હોવાના લીધે બસો બંધ કરવામાં આવી છે. જ્યારે એવું ના ચાલે એવું કહેતા અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે એવું લાગે તો કાલથી ચાલુ કરી દેવામાં આવશે.
જો ખરેખર ડ્રાઈવર ના હોય તો કાલે કેવી રીતે આ તમામ બસો ચાલુ કરશે એવા સવાલો પણ ઉઠી રહ્યાં છે. પેસેન્જરો દ્વારા તત્કાલ આ બંધ કરવામાં આવેલ તમામ રૂટ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અવાર-નવાર બંધ કરાતા રૂટને કાયમી ધોરણે ચાલુ કરવા તેમજ અધિકારી દ્વારા કરાતા મનફાવે તેવા વર્તન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. જો આવી જ રીતે સારી આવક ધરાવતી અને વર્ષોથી ચાલતી બસો બંધ કરવામાં આવશે તો એસ.ટી. ડેપો ખાડે જાય તો કાંઈ નવું નહિ હોય તેવી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.