બગસરા એસ.ટી. બસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક વિશેષ મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ડેપોમાં કાર્યરત ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ સહિતના તમામ નાના-મોટા કર્મચારીઓની સંપૂર્ણ શારીરિક તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન અંગે વિગતો આપતા બગસરા ડેપો મેનેજર નિમીષાબા ગઢવીએ જણાવ્યું હતું કે એસ.ટી. નિગમના કર્મચારીઓ દિવસ-રાત જનતાની સેવામાં કાર્યરત રહેતા હોય છે ત્યારે તેમના ઉત્તમ સ્વાસ્થ્યની કાળજી લેવી એ વિભાગની નૈતિક જવાબદારી બને છે. આ મેડિકલ કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા કર્મચારીઓના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી તપાસ કરવામાં આવી હતી તથા જે કર્મચારીઓને કોઈ બીમારી જણાઈ હતી તેમને તાત્કાલિક ધોરણે જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લાંબા અંતરના રૂટ પર જતા ડ્રાઈવરો માટે આંખની તપાસ અને માનસિક તણાવ મુક્ત રહેવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.