બગસરા એસ.ટી.ડેપોનો વહીવટી છેલ્લાં ઘણા દિવસથી કથળી ગયો હોવાથી મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. આડેધડ બસ રૂટ બંધ થતા હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવી ફરિયાદ ઉઠતા વિભાગીય નિયામકે બસ સ્ટેશન ખાતે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બગસરા ડેપોમાં છેલ્લાં ઘણા સમથી એટીઆઈની જગ્યા ખાલી છે, કર્મચારીઓની ઘટને કારણે અનેક રૂટ આડેધડ બંધ કરી દેવામાં આવે છે તો અમુક કર્મચારીઓને રૂટ ફાળવવામાં આવે તો આપઘાતની ધમકી પણ આપતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી તો કર્મચારીઓએ પણ જણાવ્યું હતું કે, રૂટ ફાળવણીમાં વ્હાલા-દવાલીની નીતિ અપનાવામાં આવી છે. આવા તમામ પ્રશ્નોને લઈ વિભાગીય નિયામક સોલંકીએ બગસરા બસ સ્ટેશન ખાતે જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ડીસી સોલંકી પ્રથમવાર બગસરા ડેપો ખાતે આવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે ડીસી સોલંકીએ જણાવ્યુ હતું કે, સંકલન સમિતિ સાથે બેઠક કરી ભવિષ્યમાં બંધ બસ રૂટ ચાલુ રાખવા માટે સહકાર આપવાનું સૂચન કરવામાં આવ્યુ હતું અને એસ.ટી.ની આવક કેમ વધે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. જા કે વિભાગીય નિયામકની મુલાકાત બાદ ડેપોનો વહીવટ કેવો રહે છે તેના પર મુસાફરો મીટ માંડીને બેઠા છે.