બગસરા એસ.ટી. ડેપોમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે મુસાફરો પરેશાન થઇ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ચારથી પાચ બસો બંધ જ રાખવામાં આવે છે. અગાઉ ઉચ્ચ અધિકારીની સૂચના છતાં એસ.ટી. ડેપોના અધિકારીઓ દ્વારા તાનાશાહી યથાવત રાખવામાં આવી છે. તાજેતરમાં જ અમરેલી જિલ્લા નિયામક દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી કે જે કોઈ બસો બંધ છે તે ચાલુ કરવામાં આવે. પરંતુ ડેપો મેનેજર દ્વારા પોતાની મનમાની કરી રોજ માટે ૪ થી ૫ બસો બંધ રાખવામાં આવે છે. જયારે આજે વહેલી સવારની ૫ઃ૩૦ કલાકે ઉપડતી બગસરા રાજકોટ વાયા જેતપુર અને વહેલી સવારે ૫ઃ૩૦ કલાકે ઉપડતી બગસરા ભાવનગર તેમજ બગસરા રાવણી અને બગસરા મહુવા તેમજ બગસરા અમરેલી જેવા અનેક રૂટ બંધ કરવામાં આવતા મુસાફરો પરેશાનીમાં મુકાયા હતા. અત્યારે લગ્નની સિઝન છે. ત્યારે આ કાયમી તમામ રૂટ બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી બગસરા રાજકોટ વાયા જેતપુર તેમજ બગસરા થી ભાવનગર જેવા લાંબા તેમજ ભરચક ચાલતા રૂટ બંધ કરવામાં આવતા મુસાફરો પરેશાન થઈ ગયા છે. મળતી માહિતી મુજબ હાલમાં ડેપોમાં ૨૨ ડ્રાયવરો અને ૨૩ કંડક્ટરો રજા ઉપર છે તેમ જ ૮ જેટલાં કર્મચારીઓ બીમાર છે. તેમની અવેજીમાં અન્ય કામગીરીમાં મુકેલા કર્મચારીઓને રૂટ પર મુકવામાં આવે તો આ તમામ બસો ચાલુ રહી શકે. અનેક વખત એવું પણ જોવા મળે છે કે બસોમાં મુસાફરો બેસી ગયા હોય અને બસ બંધ કરવામાં આવે, આટલી હદે ખાડે ગયેલા અહીંના ડેપોના વહીવટથી મુસાફરો પરેશાન થઈ ગયા છે. ઉપરી અધિકારી અહીંના ડેપોની મુલાકાત લે અને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.