છેલ્લા ચાર દિવસથી બગસરા એસટી ડેપો દ્વારા અનેક બસ રૂટ બંધ કરવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે મુસાફરો ખાનગી વાહનોનો આશરો લેવા મજબૂર બન્યા છે. તાજેતરમાં બગસરા ડેપો વિશેષ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ચાર દિવસમાં લગભગ ૯થી ૧૦ બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. આમાં બગસરાથી રાજકોટ જતી વહેલી સવારની અને બપોરની સુપર લોકલ બસો, બગસરા-વીંછિયા, બગસરા-અમરેલી-જૂનાગઢ, ખાંભા-ધોરાજી, બગસરા-રાજકોટ (વાયા જેતપુર) અને બગસરા-મહુવા જેવા મહત્વપૂર્ણ રૂટ્‌સનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિએ મુસાફરોની મુશ્કેલી વધારી દીધી છે. હવે મુસાફરો પૂછપરછ બારી પર “આ બસ ક્યારે જશે?” ના બદલે “કઈ બસ ચાલુ છે?” એવું પૂછવા મજબૂર બન્યા છે. સૂત્રો જણાવે છે કે ઋષિ પંચમી નિમિત્તે ડેપોના અધિકારીઓએ ઘણા ડ્રાઈવરોને રજા મંજૂર કરી હતી, જેના કારણે આ તમામ રૂટ બંધ કરવામાં આવ્યા હતા. પરિણામે, મુસાફરોને ખાનગી વાહનોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. એસટી ડેપોના અધિકારીઓની બેદરકારીના કારણે ઋષિ પંચમીના દિવસે જ આ સમસ્યા ઉદભવી હોવાનું મનાય છે. આ પરિસ્થિતિએ શહેરની જનતામાં ભારે અસંતોષ ફેલાવ્યો છે. લોકોની માંગ છે કે વહેલી તકે બધી બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવે.