બગસરા એસટી ડેપોની હાલત ખરાબ થઈ ગઈ છે. ડેપોમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. યુરીનલમાં ગંદકી અને દુર્ગંધ એટલી વધારે છે કે લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ડેપોમાં સફાઈ કામદારોની ઘટ છે, જેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસામાં ગંદકીના કારણે મચ્છર વધતા મેલેરિયા જેવા રોગચાળાનો ડર પણ વધી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે ડેપો મેનેજર દ્વારા યુરીનલ સફાઈ કામદારને છૂટા કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓ યુરીનલના ઉપયોગ માટે પૈસા ઉઘરાવતા હતા. પરંતુ તેમને કાઢી મૂક્યા પછી બીજા કોઈ કામદારને રાખવામાં આવ્યો નથી, જેના કારણે ડેપોની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. મુસાફરો ડેપોમાં ગંદકી અને દુર્ગંધથી પરેશાન છે અને તંત્રા ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે. તેઓએ ચેતવણી આપી છે કે જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો તેઓ આગામી સ્વાગત કાર્યક્રમમાં આ મુદ્દો ઉઠાવશે.