બગસરાના નટવરનગરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કેસરિયા ગ્રુપ દ્વારા તેમજ સમસ્ત ગામ દ્વારા કરવામાં આવી હતી. અહીં હનુમાનજી જે કેસરિયા દાદા તરીકે નટવરનગરમાં બિરાજમાન છે, જે મંદિરનો સ્થાપના દિવસ પણ આજે જ હોવાથી આ ગ્રુપ દ્વારા નટવરનગરને ધજા તેમજ પતાકાથી સુશોભિત કરવામાં આવ્યું હતું. કેસરિયા ગ્રુપ દ્વારા સમસ્ત ગામમાં ધુવાડા બંધ જમણવાર પણ કરવામાં આવ્યો હતો. અબોલ પ્રાણીઓને પણ ઘાસચારો તેમજ ગુંદી ગાંઠિયાનો તેમજ લાડુનો પ્રસાદ કરી આખો દિવસ ખવડાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તારીખ ૧૧ ના રોજ રાત્રિના દાંડીયારાસ તેમજ ભજન અને ધૂનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શનિવારે સવારે સુંદરકાંડના પાઠનો હવન અને બપોરના ૪ઃ૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રા ડી.જે.ના તાલે નીકળી હતી. આ શોભાયાત્રામાં ૧૧ જેટલા ટ્રેક્ટરોમાં અલગ અલગ ફ્લોટ બનાવવામાં આવ્યા હતા. જેમાં બાળકો ભગવાન રામ અને માતા જાનકી અને હનુમાજી વેશભુષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકોને ગરમીમાં ઠંડક આપવા માટે ફોગર (ફુવારા ) મુકવામાં આવ્યા હતા અને વડીલો તેમજ સંતો માટે પણ અલગ ટ્રેક્ટર રાખવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં આશરે ૩ થી ૪ હજાર જેટલાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા ખોડિયાર મંદિરથી શરૂ થઈને સમસ્ત ગામના મુખ્ય માર્ગો પર ફરી કેસરિયા દાદા હનુમાન મંદિરે આવી પૂર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન સંતો મહંતોના સામૈયા પણ કરવામાં આવ્યા હતા. શોભાયાત્રા પૂર્ણ થતા જ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.










































