બગસરા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને એડવાન્સ પગાર તેમજ ગત વર્ષનું બોનસ ન અપાતા તેમણે પાલિકા કચેરીની બહાર ધરણા કર્યા હતા. શુક્રવારે તેમણે ચીમકી આપી હતી કે, શનિવાર સુધીમાં આમારા આ પ્રશ્નનું સમાધાન નહિ થાય તો સફાઈ કામગીરી બંધ કરાશે. પરંતુ પાલિકા દ્વારા તેમની માંગણીને ફગાવી દેતા સફાઈ કામદારોએ પાલિકા કચેરી ખાતે ધરણા કર્યા હતા. બગસરા પાલિકામાં ઘણા સમયથી પગારના મુદ્દે અનેકવાર સફાઈ કામદારો દ્વારા આંદોલનો કરવામાં આવ્યા છે. હાલમાં દિવાળી જેવા તહેવારો આવી રહેલ છે ત્યારે પગાર અને બોનસની તમામ લોકોને આશા હોય છે ત્યારે પાલિકા દ્વારા આવા નાના માણસોને પગાર તેમજ બોનસ આપવામાં ન આવતા આજે પાલિકા કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. અને હજુ જો આ પ્રશ્નનું સમાધાન નહિ કરવામાં આવે તો આ આંદોલન વધુ આક્રમક કરવામાં આવશે. જયારે બીજી તરફ દિવાળી નજીક હોવાથી વેપારીઓને ત્યાં ગંદકી જોવા મળતા તેમણે જાતે સફાઈ પણ કરી હતી અને ઠેર ઠેર ગંદકીના ગંજ પણ જોવા મળી રહ્યા છે. આવા સંજોગોમાં સફાઈ કામદારો દ્વારા ઝડપથી તેની માગ સંતોષવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.