અમરેલી જિલ્લાના બગસરામાં વેપારી પાસેથી લાખો રૂપિયાનો સામાન મંગાવી, છેતરપિંડી આચર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતોછે. આરોપીઓએ ખોટી ઓળખ આપી અને બ્લોક થઈ ગયેલા બેંક એકાઉન્ટનો ચેક આપી વેપારી સાથે આશરે પાંચ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ અંગે મિતેશકુમાર મનસુખભાઈ કટેશીયા (ઉ.વ.૨પ)એ જીજ્ઞેશ પટેલ તથા વિજયભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે જીજ્ઞેશ પટેલે વેપારીના મોબાઈલ નંબર પર સંપર્ક કરી વોટ્‌સએપ મારફતે લોખંડના પાઈપ અને પતરાનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ તા. ૦૫/૦૧/૨૦૨૬ના રોજ વિજયભાઈ ટ્રક લઈને ડેપો પર આવ્યો હતો.આરોપીઓએ તેમની પાસેથી લોખંડના પાઈપ – ૨૦ ફૂટના કુલ ૧૬૦ નંગ તથા પતરા ૮૦ નંગ, લેબર વર્ક અને અન્ય ચાર્જ મળી કુલ રકમઃ રૂ. ૪,૮૮,૭૦૦ની છેતરપિંડી કરી હતી. માલની ડિલેવરી લીધા બાદ આરોપીઓએ પેમેન્ટ પેટે ઇન્ડસઇન્ડ બેંકનો ચેક આપ્યો હતો. જોકે, આ ચેક જે એકાઉન્ટનો હતો તે પહેલેથી જ બ્લોક (સીઝ) થઈ ગયેલું હતું. આમ, જીજ્ઞેશ પટેલ અને વિજયભાઈ નામના બંને શખ્સોએ એકબીજાની મદદગારી કરી, જાણીજોઈને નકામો ચેક પધરાવી વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. વેપારીને છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓના મોબાઈલ નંબર અને ટ્રકની વિગતોના આધારે તપાસ તેજ કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી ડી કલસરીયા વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.