બગસરા તાલુકામાં ૧લી જૂનથી આગામી ત્રણ માસ માટેના વિવિધ વિભાગના કર્મચારીઓને વરસાદની નોંધણી કરવા માટેના હુકમ કરવામાં આવેલા છે. ગત વર્ષ સુધી કર્મચારીઓને ૮ કલાકની નોકરી ફાળવવામાં આવતી હતી પરંતુ ચાલુ વર્ષે આ કર્મચારીઓને સાંજના ૬ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધીની સળંગ ૧૪ કલાકની કામગીરી સોંપાતા કર્મચારીઓમાં કચવાટ ફેલાયો છે. આ ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ, આઈ.ટી.આઈ સહિતના શિક્ષકોને પણ આ કામગીરીમાં મૂકવામાં આવતા કામગીરીના બીજા દિવસે વળતર રજા મળતી હોય શિક્ષણને પણ અસર થઈ રહી છે. ગત વર્ષે શિક્ષકોને કામગીરી આપ્યા બાદ તંત્ર દ્વારા શિક્ષણને નુકસાન ન થાય તે માટે શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ આ વર્ષે ફરી શિક્ષકોને આ કામ સોંપાતા છ માસ સુધી શિક્ષણને મોટાપાયે અસર થશે. આ ૧૪ કલાકની અન્યાયી કામગીરીમાં ફેરફાર થાય તેવી કર્મચારીઓની માગણી છે.