બગસરા નગરપાલિકા દ્વારા રૂ.૮ કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યો, પદાધિકારીઓ અને નગરજનો હાજર રહેશે. બગસરા પાલિકાએ શહેરનો વિકાસ કરવા માટે રાજય સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી છે. એક સાથે પાંચ વિકાસના કામોનું રૂ. ૮ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. પાલિકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયાએ જણાવ્યુ હતું કે, આગામી તા.૧૦ના રોજ સવારે ૧૦ વાગ્યે અટલજી પાર્કની સામે સરકાર દ્વારા સરાણીયા પરિવારો માટે ૧૦૪ મકાનો માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવતા ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેથી હવે આગામી સમયમાં સરાણીયા પરિવારો ઝુંપડાના બદલે પાકા મકાનોમાં રહેશે. ત્યારબાદ રૂ.૧.૭૦ કરોડના ખર્ચે અટલજી પાર્કનું ડેવલોપમેન્ટ, રૂ.૩.૮૦ કરોડના ખર્ચે નલ સે જલ વોટર સપ્લાય પ્રોજેકટ, રૂ.૬૦ લાખના ખર્ચે ઝાંઝરીયા રોડ પર બસ સ્ટેન્ડ, રૂ.૧.૮૦ કરોડના ખર્ચે આદપુર-બગસરા નોન પ્લાન રોડ અને રૂ.ર૦ લાખના ખર્ચે બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકરીયા, જે.વી.કાકડીયા, ધીરૂભાઈ કોટડીયા, શહેરની તમામ સંસ્થાઓના પ્રમુખ, પાલિકા સદસ્યો તેમજ નગરજનોને હાજર રહેશે.