બગસરામાં આજરોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ખેડૂતો માટે કરવામાં આવતા કૃષિ મહોત્સવમાં ખેડૂતોને પ્રવેશ આપવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રગતિશિલ ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. જેમાં અમુક ખેડૂતોને કૃષિ મહોત્સવમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આ અંગે પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ હંસરાજભાઈ ગોધાણીએ રોષ સાથે જણાવ્યું હતુ કે,કૃષિમેળામાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત હતો, જેમાં અમુક ખેડૂતોને કૃષિ મહોત્સવમાં અંદર જતા રોકવામાં આવ્યા હતા. પ્રગતિશીલ ખેડૂત તરીકે સંવાદ કરવાની પણ ઈચ્છા હતી ત્યારે આઈબીના રિપોર્ટનું જણાવી ખેડૂતોને કૃષિ મહોત્સવમાં જવા માટે રોકવામાં આવ્યા હતા.આમ, કૃષિ મહોત્સવમાં અમુક ખેડૂતોને અંદર પ્રવેશ આપવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. આ અંગે આપના આગેવાન કાંતિભાઈ સતાસીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંગ્રેજાનું શાસન છે, ખેડૂતો પર દમન ગુજારવામાં આવે છે અને ભાજપ નેતાઓએ ધાર્મિક જગ્યાઓને રાજકિય અખાડો બનાવી અમુક ખેડૂતોની પ્રવેશબંધી પર રોષ વ્યકત કર્યો હતો.