બગસરામાં કુંકાવાવ નાકે ભૂગર્ભ ગટરમાં નાખેલી જાળીમાં ભંગાણ થયુ હોવાથી ભયંકર અકસ્માત સર્જાવાની ભય ઊભો થયો છે. આ રોડ ઉપર એસ.ટી. બસ, ડમ્પર, ટ્રક, કાર જેવા વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી ગમે ત્યારે ભયંકર અકસ્માત થવાની સંભાવના છે. આ ગટરની ઉંડાઇ પણ ૧૨થી ૧૫ ફૂટ છે, આ ગટરની અંદર કોઈ માણસ કે તેનું વાહન ખાબકે તો તેને બચવું મુશ્કેલ છે. અમરેલી અને રાજકોટ જવા માટે આ મુખ્ય માર્ગ ગણાતો હોવાથી આ રોડ ઉપરથી વાહનો સતત ચાલુ રહેતા હોય છે. એવામાં આ જાળી તૂટેલી હાલતમાં હોવાથી ભયંકર અકસ્માત સર્જાય તેમ છે. આ સમસ્યા અંગે નગરપાલિકાના સત્તાધીશો પણ જાણે બેદરકારી દાખવી રહ્યા હોય તેવું જણાય છે. આ જાળીને અવારનવાર રીપેર કરેલ છે અને જે કામ કરવામાં આવે છે તે તકલાદી છે. જેના કારણે અવારનવાર આ જાળી તૂટી જાય છે. આ જાળી નાખવાનું મુખ્ય કારણ એ હતું કે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી જેનો કાયમી ઉકેલ લાવવા પાલિકા દ્વારા બે જાળી નાખવામાં આવી હતી પરંતુ આ જાળી એટલી નબળી ગુણવત્તા વાળી નાખવામાં આવી હતી કે અવારનવાર તે તૂટવાના બનાવો બને છે. જેના કારણે પાલિકા દ્વારા એક જાળી કાયમ માટે બંધ કરવામાં આવી છે.