કહેવત છે કે જર, જમીન અને જારૂં ત્રણેય કજિયાનાં છોરૂં આ કહેવતને સાર્થક કરતી ઘટના બગસરા શહેરમાં બનવા પામી છે. જેમાં મકાન ખાલી કરાવવા બાબતે મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ આધેડને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બગસરાનાં હુડકો વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો ધંધો કરતા ધીરૂભાઈ બચુભાઈ સાકરીયા(ઉ.વ.પપ) એ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ભરત હરજી મકવાણા જે સંબંધમાં તેમનો ભાણેજ થતો હોય તેમણે આરોપી ભરત પાસેથી સહિયારું મકાન ખાલી કરાવેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપી ભરતે ફરિયાદી ધીરૂભાઈને માથામાં પાવડાનો ઘા મારતા સાત ટાંકા આવ્યાં હતાં. આરોપીની સાથે અન્ય બે આરોપી સાગર દિપક મકવાણા અને એક અજાણ્યા શખ્સે ધીરૂભાઈને પકડી મુંઢમાર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ધીરૂભાઈ સાકરીયાએ ત્રણ શખ્સો સામે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.