બગસરામાં કુંકાવાવ નાકા પાસે આવેલ આપા ગીગા ગાદી મંદિર પાસે ભૂગર્ભ ગટરનાં પાણી રોડ ઉપર ચડતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પરથી લોકો દેવ દર્શને જતા હોય ત્યારે આવા ખરાબ પાણીને કારણે શ્રદ્ધાળુઓ અપવિત્ર થઈ જાય છે અને લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચે છે. એટલું જ નહીં આ રોડ પર અનેક વેપારીઓને પોતાની દુકાન ખોલવી પણ મુશ્કેલ બની જાય એટલી હદે ગટરનું પાણી દુર્ગંધ મારી રહ્યું છે. હાલમાં ઉનાળાની ભયંકર ગરમીને કારણે વેપાર ધંધા પણ મંદ પડી ગયા છે. એમાં વધારામાં આવા દુર્ગંધયુકત ગટરનાં પાણીના કારણે ગ્રાહકો અન્ય જગ્યાએ વળી જતા હોય છે તેથી વેપારીઓને આર્થિક નુકસાની પણ સહન કરવી પડે છે. જોકે પાલિકાના સત્તાધીશોને આ મુદ્દે કંઈ પડી જ નથી. જો આ ગંભીર પ્રશ્ન તાત્કાલીક હલ કરવામાં નહીં આવે તો વેપારીઓને આર્થિક નુકસાની સહન કરવી પડે તેમ છે અને આવા અણઘડ વહીવટથી લોકો પાલિકાના સત્તાધીશો ઉપર અનેક પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે.