સમગ્ર રાજયમાં કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ ભારે પવનને કારણે કમોસમી વરસાદ વરસતા વીજ પુરવઠાને ગંભીર અસર પહોંચી છે. બગસરામાં પણ ભારે પવન ફૂંકાતા અનેક વીજવાયરો તૂટી ગયા હતા તો અનેક ઘરોમાં વીજળી ગૂલ થઈ હતી જો કે વરસતા વરસાદમાં પણ વીજ કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી વીજ ફોલ્ટના પ્રશ્નો દૂર કર્યા હતા. બગસરામાં છેલ્લાં બે દિવસથી ભારે પવન ફૂંકાતા અનેક ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. આ અંગે પીજીવીસીએલના નાયબ ઈજનેર હિરેન મહીડાએ જણાવ્યું હતું કે ભારે પવનને કારણે રોજના ૧પ૦ વીજ ફોલ્ટની ફરીયાદ આવી રહી છે. જે સામાન્ય કરતા ચાર ગણી છે. વીજ કર્મચારીઓ પણ વીજ ફોલ્ટ દૂર કરવા વરસતા વરસાદમાં પણ કામ કરી રહ્યાં છે. ખાસ કરીને વીજ ફીડર બંધ થવાની વધુ સમસ્યા રહે છે તો વૃક્ષો ધરાશાયી થતા વીજતાર પણ તૂટી ગયા છે.