બગસરામાં શુક્રવારની મોડી રાત સુધી ચાલેલી લાંબી મથામણ બાદ ભાજપે ‘નો-રિપીટ’ થિયરી અપનાવીને અનેક પીઢ કાર્યકરોને ટિકિટથી વંચિત રાખતા રાજકીય ગરમાવો આવી ગયો છે. પક્ષે જૂના જોગીઓને વેતરી નાખીને સાવ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારતા શહેરી અને ગ્રામ્ય સ્તરે કાર્યકરોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ નિર્ણય પાછળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની પસંદગી અને અમુક જ્ઞાતિઓને વસ્તીના પ્રમાણ કરતા વધુ પ્રતિનિધિત્વ આપવાની ભૂલ જવાબદાર હોવાનું મનાય છે. હાલમાં પાયાના કાર્યકરોમાં એટલો ગણગણાટ છે કે તેઓ મતદાનના દિવસે નિષ્ક્રિય રહે તેવી શક્યતા છે, જેનાથી આગામી પરિણામો પર મોટી અસર પડી શકે તેમ છે.