બગસરામાં શાપર જવાના રસ્તે એક ક્ષત્રિય યુવાનની છરી વડે હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શાપર જવાના રસ્તે સુડાવડ ગામનો જયદીપ જૈતુભાઈ વાળા મોટર સાયકલ લઈને આવતો હતો ત્યારે સંજય વાળા સહિત બે શખ્સોએ યુવકને આંતરી બોલાચાલી કરતા બનાવ મારામારી સુધી પહોંચતા આરોપી સંજય વાળા અને જયદીપ વાંક રહે. પાદરગઢવાળાએ ઉશ્કેરાઈ જઈ જયદીપ વાળાને છરીના ઘા ઝીંકી દેતા યુવકને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યો હતો જયાં તેમનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોવાનું પ્રાથમિક અનુમાન છે હજુ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પીઆઈ સાળુકેએ જણાવ્યું હતું કે, સંજય વાળા નામનો આરોપી પકડાઈ ગયો છે જયારે બીજા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આમ શહેરમાં હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.