બગસરા શહેરમાં પોલીસની મીઠી નજર હેઠળ દારૂના વેચાણ સાથે હવે જાહેરનામાનો પણ સરેઆમ ભંગ થઈ રહ્યો છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી હોવા છતાં પોલીસ માત્ર મૂકતમાશો જાતી હોવાથી પોલીસની કાર્યશૈલી સામે સવાલો ઉભા થયા છે. બગસરામાં બેરોકટોક દેશી અને વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યુ છે. દારૂ પી છાકટા બનેલા યુવાનો બસ સ્ટેશનમાં આંટા મારે છે તેમજ શહેરમાં સવારના ૮ થી ૧ર અને બપોરના ૪ થી ૮ વન-વે માટે કલેકટરનું જાહેરનામુ હોવા છતાં એસ.ટી.બસના ડ્રાઈવરો જાહેરનામાનો ઉલાળીયો કરી રહ્યાં છે. શહેરમાં ટ્રાફિક નિવારવાની જવાબદારી ટીઆરબી જવાનોને સોંપવામાં આવી છે. જુના બસ સ્ટેશનના ખૂણા પર બે ટ્રાફિક જવાનો ફરજ બજાવતા હોવા છતાં એસ.ટી.બસના ચાલકો વન-વેમાં ઘૂસી જાય છે તેમજ થોડે દૂર આવેલી ચાની હોટલ પાસે બસ ઉભી રાખી ચાની ચુસ્કી લઈ રહ્યાં છે. આ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા એસ.ટી.ના ડ્રાઈવરને વન-વે વિશે જણાવતા ડ્રાઈવરે નાગરિક સાથે ઉધ્ધત વર્તન કરતા જાગૃત નાગરિક દ્વારા આ બાબતે પોલીસ સ્ટેશનને અરજી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. ચાની હોટલ પર બસ ઉભી રહેતી હોવા છતાં ટીઆરબી જવાનો કોઈ કામગીરી કરતા નથી. જેના લીધે ટ્રાફિકની સમસ્યા વકરી છે. શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થતા વાહનો સામે પોલીસ કડક હાથે કામગીરી કરે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યાં છે.

 

એક પી.આઈ અને પીએસઆઈની નિમણૂંક
બગસરામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા એક પી.આઈની સાથે બે પીએસઆઈની નિમણૂંક કરવામાં આવી છે પરંતુ આમ છતાં પોલીસ દ્વારા કોઈ જ પ્રકારનું પેટ્રોલીંગ હાથ ધરવામાં આવતું નથી. જેના કારણે દારૂડીયાઓ છાકટા બન્યા છે અને એસ.ટી. ડ્રાઈવરો વન-વેનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યાં છે. વન-વેનો ભંગ કરનારા એસ.ટી.ડ્રાઈવરો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી કે બસ પણ ડીટેઈન કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી છે.

 

ટ્રાફિક જવાનો એક જગ્યાએ જ બેસી રહે છે
બગસરા શહેરમાં ટ્રાફિક નિયમનની જવાબદારી જેના શિરે આપવામાં આવી છે તે ટ્રાફિક જવાનો ફક્ત એક જ જગ્યાએ બેસતા હોવાનું જાણવા મળ્યુ છે. ટ્રાફિક કરતા વાહનોને દૂર કરવાની ટીઆરબી જવાનો તસદી પણ લેતા નથી. આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ટ્રાફિક સમસ્યા શહેરીજનો માટે માથાનો દુઃખાવો બની છે.