બગસરામાં રાત્રિ દરમિયાન નદી પરા વિસ્તારથી લઈને શહેરના મુખ્ય માર્ગો બગેશ્વર મંદિર રોડ ઉપરની તેમજ નદી પરા વિસ્તારની એક સાથે ચાર દુકાનમાં તાળા તોડી તસ્કરોએ એક બાઈકની ચોરી કરી હતી. જોકે બાઇકમાં પેટ્રોલ ન હોવાથી દૂર મૂકીને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાંં કેદ થઈ છે. જ્યારે તસ્કર ટોળકી સક્રિય થઈ છે ત્યારે તેને ત્યાં જ દબોચી લેવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠી છે. નોંધનીય છે કે, આ ચાર દુકાનોમાંથી કોઈ સામાન ચોરાયેલ નથી જેથી બગસરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ નથી. પરંતુ બગસરા વિસ્તારમાં પેટ્રોલિંગના અભાવે તસ્કરો બેફામ થયા છે. હાલમાં બગસરા શહેરમાં ઘણા સમયથી કોઈપણ પ્રકારની ચોરીનો ગુનો સામે આવેલ નથી પરંતુ છેલ્લા બે દિવસથી તસ્કરો બેફામ થયા છે જેથી બગસરાની જનતા તેમજ વેપારીમાં ફફડાટ ફેલાયો છે. આ ચોરી દરમિયાન તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે પરંતુ હજુ સુધી પકડાયેલ નથી અને ફરિયાદ પણ થયેલ નથી.