સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લામાંથી અનેક પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તો અનેક નવા પીઆઈને જિલ્લામાં નિમણૂંક આપવામાં આવી છે. જેમાં બગસરાના પીઆઈ તરીકે વી.કે.ગોલવેલકરે ચાર્જ સંભાળતા શહેર ભાજપના આગેવાનો દ્વારા નવ નિયુક્ત પીઆઈનું સન્માન કરવામાં આવ્યુ હતુ. બગસરા પોલીસ સ્ટેશનમાંથી આઈ.જે.ગીડાની બદલી થતા તેમની જગ્યાએ પીઆઈ તરીકે ચાર્જ સંભાળનાર વી.કે.ગોલવેલકરનું શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણી, મહામંત્રી પ્રવિણ બોરડ, પૂર્વ પાલિકા પ્રમુખ એ.વી.રીબડીયાએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. આગેવાનોએ શહેરના ગંભીર પ્રશ્નો જેવા કે ટ્રાફિક સમસ્યા, અસામાજિક તત્વોનો ત્રાસ, રોમિયોગીરી સહિતના પ્રશ્ને પીઆઈને રજૂઆત કરી હતી. આ અંગે પીઆઈ ગોલવેલકરે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. બગસરાના નવ નિયુક્ત પીઆઈ શહેરમાં કેવી કાર્યવાહી કરે છે તે જાવાનુ રહ્યુ.






































