બગસરા નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓ, પેન્શનરો અને સફાઈ કામદારોને છેલ્લાં પાંચ મહિનાથી પગાર નહી મળતા સફાઈ કામદારોની ધીરજ ખુટી હતી અને સફાઈ કામદારોએ “નગરપાલિકા હાય-હાય”ના નારા સાથે રેલી યોજી નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. બગસરા નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો સહિત કોઈ કર્મચારીઓનો પગાર નહી થતા તેમને ઘર ચલાવવાના પણ ફાંફા પડી રહ્યાં છે. જેથી સફાઈ કામદારોની ધીરજ ખુટી હતી અને અને રેલી સ્વરૂપે નગરપાલિકા હાય-હાયના નારા સાથે મહિલાઓએ પાલિકા પ્રમુખના નામના છાજીયા લીધા હતા. પાલિકા કચેરીએ પાલિકા પ્રમુખ પ્રતિનિધિએ ફરી એકવાર પગાર બાબતે લોલીપોપ આપી હતી. જાણવા મળતી માહિતી મુજબ રાજય સરકારના શહેર વિકાસ વિભાગ દ્વારા ગુજરાત ફાઈનાન્સ બોર્ડને ગ્રાન્ટની ફાળવણી જ કરવામાં આવી નથી. પગાર બાબતે હુકમ થયો હોય પરંતુ ફાયનાન્સ બોર્ડ દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન આવતા સફાઈ કામદારોની હાલત કફોડી બની છે. રાજકીય નેતાઓ સાથે ફોટોસેશન કરવા પહોંચતા પાલિકાના પદાધિકારીઓ સફાઈ કામદારો અને કર્મચારીઓ માટે શા માટે ગાંધીનગર પહોંચતા નથી તેવો પણ સવાલ ઉઠવા પામ્યો છે.