બગસરામાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું ખોદકામ કરીને ખાડા બુરવામાં ન આવતા પંદર દિવસમાં આઠ જેટલાં અકસ્માતના બનાવ બન્યા છે. ગઈકાલે રાત્રીના એક બાઈક ચાલક ખાડામાં ખાબક્યો હતો. બગસરામાં જેતપુર રોડ ઉપર ટાંકાની સામેની સાઈડમાં નવી સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર, નળ કનેક્શન અને રસ્તાઓની કામગીરી માટે ગ્રાન્ટ પાસ થયેલી હોવાથી પાલિકા દ્વારા હાલમાં ખોદકામ આદરેલ છે, ત્યારે બેફામ રીતે ખોદકામ કરી પંદર દિવસ થયા છતાં ખાડાઓ બુરવામાં ન આવતા અહીં રહેતાં લોકો દ્વારા રોષ વ્યક્ત કરાયો છે. જયારે અહીંથી પસાર થતા રાહદારીઓના આ ખાડાઓમાં પડવાના અનેક બનાવ બન્યા છે જેના લીધે લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. ગઈકાલે રાત્રીના સમય દરમ્યાન ફરી એક બાઈક ચાલક આ ખાડામાં ખાબકતા ભયંકર ઈજા પહોંચી હતી અને લોકોએ ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. અહીં રહેતાં લોકો કહે છે કે, જ્યાં સુધી આ ખાડામાં પડવાથી કોઈ મોત નહિ થાય ત્યાં સુધી નગરપાલિકા દ્વારા ખાડા બુરવામાં નહિ આવે.






































