બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે જનસંવાદ કાર્યક્રમનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલું હતું. જેમાં મહિલા લોક પ્રતિનિધિઓને બદલે તેમના પતિઓને સ્ટેજ આપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કર્યા હતા. બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરૂવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો.સરકારી કચેરીઓ આયોજિત આ કાર્યક્રમમાં પણ મહિલા હોદ્દેદારોની જગ્યાએ તેમના પતિઓને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા. બગસરા તાલુકામાં હાલની સ્થિતિમાં પણ ખરેખર મહિલા હોદ્દેદારોને કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવાને બદલે તેમના પતિઓને તેમનું પ્રતિનિધિત્વ કરાવવામાં આવે છે. સરકાર દ્વારા અવારનવાર મહિલાઓના ઉત્કર્ષ માટે અનેક પ્રયત્ન કરવામાં આવે છે તેમ છતાં સરકારી પ્રતિનિધિઓ જ તેમની અવમાનના કરતા નજરે ચડ્‌યા હતા. વધુમાં અમુક હોદ્દેદારોને સ્ટેજ પર યોગ્ય સ્થાન પણ આપવામાં ન આવતા નવો વિવાદ શરૂ થયો હતો. તાલુકા કક્ષાનો કાર્યક્રમ હોવા છતાં શહેરી વિસ્તારના પ્રતિનિધિઓને મહત્વ આપવામાં આવતા કાર્યકરોમાં પણ નિરાશા ફેલાઈ હતી.