ટીઆરબીના જવાનો એક જ સ્થળે ભેગા થતા હોય શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી: સમગ્ર શહેર ‘ભગવાન’ ભરોસે
લુખ્ખાગીરીમાં વધારો, કાયદાનું જાણે નામોનિશાન ન હોય તેવો શહેરમાં ઘાટ સર્જાયો
બગસરા શહેરમાં દારૂનું દુષણ ખુબ વ્યાપક પ્રમાણમાં વધી ગયું હોય તેમ લાગી રહયું છે.શહેરના ખૂણે ખૂણે દેશી તેમજ વિદેશી દારૂ વેચાઈ રહેલ છે. બુટલેગરો પોલીસને હપ્તા આપી રહ્યા હોઈ તેવી ચર્ચા પણ શહેરમાં ઉઠવા પામી છે. જયારે એટલું જ નહિ પણ શહેરમાં કાયદો વ્યવસ્થા જાણે ખોરવાઈ ગઈ હોય તેમ શહેરમાં સર્વત્ર જુગાર, વરલી મટકાના જુગાર, તેમજ દારૂનું તો જાણે પાણીની જેમ વેચાણ તેમજ રોમિયોગિરી, અને લુખ્ખાઓનો ત્રાસ વધી ગયેલ હોય ત્યારે શહેરમાં પોલીસ મૃતઃપાય અવસ્થામાં હોય તેવુ લાગી રહ્યું છે. બુટલેગરો બેફામ બની જાણે શહેરમાં પોલીસ છેજ નહિ તેમ શહેરના ખૂણે ખાચરે દારૂ વેચી રહ્યા છે. જેના લીધે વેપારીઓ તેમજ નાગરિકાને ભારે હલાકીનો સામનો કરવો પડે છે. હાલમાં શહેરમાં મંદી જેવો માહોલ ઉભો થયો છે ત્યારે સર્વત્ર જુગાર અને વરલી મટકા તેમજ જુગારના લીધે જુગાર રમવાના શોખીન લોકો વ્યાજે રૂપિયા લઇને જુગાર રમી રહ્યા છે. અને તેના લીધે ધંધા રોજગાર ઉપર માઠી અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિના કારણે યુવા ધન બરબાદી તરફજઈ રહ્યુ છે. શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની કાયદો વ્યવસ્થાને નેવે મૂકી હોઈ તેમ શહેરમાં રોમિયોગીરી તેમજ લુખ્ખાઓનો ત્રાસ પણ ખુબ વધી ગયો છે. જેના લીધે માતાઓ તેમજ બહેનોને એકલું નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. હાલમાં શહેરમાં દારૂ તો જાણે શેરીએ અને ગલીએ વેચાઈ રહ્યો છે જેના લીધે લોકો દારૂ પીઈને ખાલી બોટલો પણ શહેરમાં આવેલ દુકાનોના શટર પાસે જ રાખી દેતા હોય છે. આવી પાર્ટી કરવા વાળા લોકો ગામે તે સ્થળે પાર્ટી કરી રહ્યા છે,જાણે શહેરમાં પોલીસ છે જ નહિ તેવું લાગી રહ્યું છે.આટલી હદે કાયદો વ્યવસ્થા ખોરવાઈ ગયેલી છે. જેના લીધે ધંધા રોજગારને પણ માઠી અશર જોવા મળી રહી છે. તો આવી વિકટ સ્થિતિમાં પોલીસ દ્વારા આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને રાજકીય નેતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ પણ આ બાબતને ગંભીરતા લઇ કાર્યવાહી હાથ ધરે તેવી લોકોમાં માંગ ઉઠી છે. જયારે સમગ્ર શહેર ‘ભગવાન’ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે.
પોલીસ પેટ્રોલીંગનો અભાવ
બગસરા શહેરમાં પોલીસ પેટ્રોલીંગનો અભાવ જાવા મળી રહ્યો છે. શહેરના પોલીસ અધિકારી બહાર નિકળતા નથી. જેના લીધે લુખ્ખાઓને છુટ્ટો દોર મળી ગયો છે. શાળા-કોલેજ છુટવાના સમયે પોલીસ પેટ્રોલીંગની ખાસ જરૂરીયાત છે પરંતુ પોલીસને પોલીસ સ્ટેશનની બહાર નિકળવુ ગમતુ ન હોય તેવુ લાગી રહ્યુ છે.
બસ સ્ટેશનમાં લુખ્ખાઓના સીનસપાટા
બગસરા શહેરના બસ સ્ટેશનમાં કોઈ પોલીસ કર્મચારીઓને મુકવાને બદલે જીઆરડીના જવાનોને ફરજ સોંપવામાં આવી રહી છે. આ જવાનો માત્ર બાંકડા પર બેસી રહેતા હોવાથી લુખ્ખાગીરીએ માજા મુકી છે. બસ સ્ટેશનમાં શાળા-કોલેજની વિદ્યાર્થિનીઓ આવતી હોવાથી લુખ્ખાઓનો ત્રાસ વધતો જાય છે. બસ સ્ટેશનમાં કોઈ જવાબદાર અધિકારીને મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ઠેર-ઠેર દેશી દારૂના હાટડા
બગસરાના છેવાડાના વિસ્તારોમાં ઠેર-ઠેર દેશી દારૂના હાટડા ધમધમી રહ્યાં છે. દેશી દારૂની સપ્લાય ક્યાંથી થાય છે અને કોણ વેચે છે તેની તમામ માહિતી પોલીસ પાસે છે. છતાં પોલીસ બુટલેગરો સામે લાજ કાઢી રહી છે. એકબાજુ આવારાતત્વો સામે પોલીસ મકાન પાડી કડક કાર્યવાહી કરી છે ત્યારે બગસરા પોલીસ બુટલેગરો સામે લાજ કાઢી રહી છે તેવુ શહેરીજનો રોષભેર જણાવી રહ્યાં છે.
ટીઆરબીના જવાનો એક જ સ્થળે ઉભા રહે છે
બગસરામાં ટ્રાફિક નિયમનની જવાબદારી ટીઆરબીના જવાનોને સોંપવામાં આવી છે પરંતુ ટ્રાફિક બ્રિગેડના જવાનો જુના બસસ્ટેશન પાસે જ ભેગા થઈ વાતોના ગપાટા મારી રહ્યાં છે જેના લીધે તાલુકાશાળા, જુની નગરપાલિકા, અપશરાના ઢાળ પાસે આડેધડ વાહન પાર્કિગ હોવાથી ટ્રાફિક સમસ્યા વકરી છે આ બાબતે અનેકવાર જવાબદાર પોલીસ અધિકારીનું ધ્યાન દોરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
દુકાનો પાસે જ દારૂની બોટલ
બગસરા શહેરમાં જાહેરમાં દુકાન પાસે જ દારૂડીયાઓએ દુકાનના શટર પાસે જ દારૂની બોટલ મુકી પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો છે. દારૂ ક્યાંથી આવે છે અને કોણ વેચે છે તેની તમામ જાણકારી પોલીસ પાસે હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. છેલ્લાં ઘણા સમયથી શહેરમાં કાયદો-વ્યવસ્થા નામે મીંડુ જાવા મળે છે.





































