બગસરાના વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના સરાણિયા તેમજ દેવીપુજક સમાજની અતિ જરૂરિયાતમંદ સગર્ભા બહેનો માટે એક પ્રેરણાદાયી સેવાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરાના પૂર્વ નિયામક પ્રવીણભાઈ ઠક્કરના ધર્મપત્ની સ્વ. દિપાબેન ઠક્કરની પાંચમી પુણ્યતિથિના પવિત્ર અવસરે સંસ્થા પરિવાર દ્વારા સુખડીનું વિતરણ કરી પરમ આત્માને ભાવવંદના અર્પણ કરવામાં આવી હતી. આ સંસ્થા માત્ર પ્રસંગોપાત જ નહીં પરંતુ દર મહિને નિયમિતપણે જરૂરિયાતમંદ બહેનોને પૌષ્ટિક સુખડી પૂરી પાડે છે અને સાથે જ આરોગ્ય વિષયક જરૂરી માર્ગદર્શન પણ આપે છે.