બગસરામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભરવાડ સમાજે ભવ્ય શોભાયાત્રાનું અનોખું આયોજન કર્યું હતું. આ શોભાયાત્રામાં શ્રી કૃષ્ણને વાસુદેવ ટોપલીમાં લઇને જાય છે તે અને શ્રી કૃષ્ણ અને રાધાની વેશભૂષા કરીને રથમાં બિરાજમાન થયા હતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અલગ અલગ રથ અને ટ્રેક્ટરને શણગારીને શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઇ વિજય ચોક ખાતે મટુકી ફોડવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોએ જોડાઈને ભરવાડ સમાજના આ કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ડી.જે.ના તાલે ‘નંદ ઘેર આંનદ ભયો’ અને ‘જય રણછોડ’ના નાદથી શહેરના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા.







































