અમરેલી જિલ્લામાં વણઉકેલાયેલા ગુનાઓને શોધવા એસપી હિમકર સિંહે સૂચના આપી છે. બગસરામાં રહેતા વિનુભાઈ દેવાભાઈ મકવાણા (ઉ.વ.૪૦)એ અજાણ્યા ઇસમ સામે છોટા હાથીનું તાળું તોડી વિવિધ સામાન મળી કુલ રૂ.૧,૭૭,૦૦૦ની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત બગસરા પોલીસની ટીમે થોડા દિવસ પહેલા છોટા હાથીનું તોળું તોડી ચોરી થયાની નોંધાયેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિદાન ગઢવીને ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપી ફારૂકશાહ હનીફશાહ શાહમદારના રહેણાંક મકાને ચોરીમાં ગયેલો રૂ.૧,૭૭,૦૦૦નો મુદ્દામાલ છે. જે બાદ કાર્યવાહી કરીને નઝીરભાઈ ઉર્ફે કાળુભાઈ હનીફભાઈ ભટ્ટી (ઉ.વ.૨૫) તથા ફારૂકશાહ હનીફશાહ શાહમદાર (ઉ.વ.૬૬)ને ઝડપીને ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
જ્યારે સાજીદભાઈ રઝાકભાઈ ભટ્ટીને ઝડપવાનો બાકી છે. આ કામગીરી બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.દેસાઈ, હેડ કોન્સ્ટેબલ્સ રવિદાન ગઢવી, અકબરભાઈ જુણેજા, પોલીસ કોન્સ્ટેબલ્સ જયંતિભાઈ ભાદરકા, અજયદાન ગઢવી, જયરાજભાઈ ગીડા, સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ રાઠોડ અને પોલીસ કોન્સ્ટેબલ સુલ્તાનભાઈ પઠાણે કરી હતી.