બગસરામાં કાપડ એસોસીએશન દ્વારા જીએસટી દર વધારા સામે સખત વિરોધ વ્યક્ત કરી રાજ્યનાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પાઠવેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે કાપડ, રેડીમેઈડ કપડા અને હોઝીયરી ઉપર હાલ પાંચ ટકા જીએસટી દર હતો. પરંતુ સરકાર દ્વારા તા.૧-૧-રરથી જીએસટી દર વધારીને ૧ર ટકા કરવામાં આવશે જેનો સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને બગસરા કાપડ એસોસીએશન પણ સમર્થન આપી આ કાયદાનો સખત વિરોધ વ્યક્ત કરી રહ્યું છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી સમગ્ર વેપારીઓ દંડ અને ધંધાની પરેશાની ભોગવી રહ્યા હતા અને આ ફટકાથી બહાર આવીને માંડ ધંધાને વેગ મળ્યો છે ત્યારે સરકાર દ્વારા પ ટકા જીએસટી દરને બદલે ૧ર ટકા કરતા ધંધાર્થીઓને મોટી અસર પહોંચશે. જેમાં ખાસ કરીને નાના વેપારીઓ અને રીટેઈલ વેપારીઓને મોટું નુકસાન થશે. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી દરમાં વધારો પાછો ખેંચવામાં આવે તેવી વિરોધ સાથે માંગ કરી છે.