બગસરા તાલુકામાં પવન સાથે તૂટી પડેલા અતિ ભારે વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. તાલુકામાં મોટા પ્રમાણમાં વાવેતર ધરાવતા તલ અને ડુંગળીના ઊભા પાક વરસાદના કારણે સંપૂર્ણપણે બગડી ગયા છે અને જમીનદોસ્ત થઈ ગયા છે. હાલમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચેલા હોવાથી ખેડૂતોએ સંગ્રહ કરેલી ડુંગળી પણ વરસાદના પાણીમાં પલળી ગઈ છે અને બગડી ગઈ છે. આના કારણે બગસરા તાલુકાના ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેતરોમાં ઊભો પાક નષ્ટ થઈ ગયો છે અને સંગ્રહ કરેલી ડુંગળી પણ વેચવા લાયક રહી નથી. આ કપરી પરિસ્થિતિને જોતા બગસરા તાલુકાના ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવીને યોગ્ય વળતર આપવાની માંગણી કરી છે. ખેડૂતોનું કહેવું છે કે આ કમોસમી વરસાદે તેમને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે અને સરકાર દ્વારા તાત્કાલિક સહાય મળવી જરૂરી છે.