બગસરા શહેરની મધ્યમાં એસ.ટી.બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર ભાઈ-બહેનને ગંભીર ઈજા પહોંચતા અમરેલી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ કે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. બગસરા સરકારી દવાખાના પાછળ આવેલા મુખ્ય માર્ગ પર બપોરના સુમારે માંગરોળ-અમરેલી રૂટની એસ.ટી.બસ સાથે બાઈકનો અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢ જિલ્લાના મોટી પીંડાખાઈ ગામના હિતેશ ખીમજી દાફડા અને દયા ખીમજી દાફડા બાઈક પર પોતાના ગામ તરફ જતા હોય ત્યારે સરકારી દવાખાના પાછળ મુખ્ય માર્ગ પર એસ.ટી.બસ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સગા ભાઈ-બહેનને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અમરેલી સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં બંને ભાઈ-બહેનની તબિયત વધુ નાજુક ગણાતા તાકિદે બંનેને વધુ સારવાર અર્થે રાજકોટ અથવા ભાવનગર ખસેડવામાં આવ્યા છે. બંને ભાઈ-બહેન દિવાળીના તહેવાર નિમિત્તે બગસરા ખરીદી કરવા આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.