બગસરા આપાગીગા ગાદી મંદિરમાં અષાઢી બીજના ભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે મંદિરમાં મંગળા આરતી તેમજ શ્રી હનુમાનજી મહારાજનો હોમાત્મક યજ્ઞ બાદ પૂ.આપાગીગાના કપડા, માળા, ગોરખો, કેશ, લાકડીનું પૂજન કરવામાં આવ્યુ હતું તેમજ ગધઈ સમાજ તરફથી ધજા મહંત જેરામબાપુના વરદ હસ્તે ચડાવવામાં આવી હતી. પ્રજાપતિ સમાજ તરફથી ધજાનું સામૈયું રમેશભાઈ સરવૈયાના નિવાસસ્થાનેથી નીકળી ગાદી મંદિરમાં પહોંચ્યું હતું. ગાદી મંદિરમાં ધજાનું પૂજન અર્ચન કરી દેવળ ઉપર ચડાવવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયાએ ગાદી મંદિરના દર્શન કરી પૂ.બાપુના આશીર્વાદ લીધા હતા. સમગ્ર મહોત્સવનું સંચાલન ગાદી મંદિર સેવક પરિવાર તેમજ જગ્યાના કોઠારી હરિબાપુએ સંભાળ્યું હતું.