બગસરામાં પાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ થતાં લોકો પરેશાન થઈ ગયા છે. જેના કારણે શહેરના નટવર નગર વિસ્તારમાં ચિકનગુનિયા જેવા રોગોએ ઘરે ઘરે ભરડો લીધો છે. શહેરના જેતપુર રોડ પર આવેલ વિસ્તારમાં દૂષિત પાણીને કારણે તાવ શરદીનાં અઢળક કેસ આવી રહ્યાં છે. આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવે તો તંત્ર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો કે પાણી તો દૂષિત જ આવશે જેના કારણે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ બાબતે પાલિકા પ્રમુખને પૂછતા તેમણે જણાવ્યું કે આ બાબતની ફરીયાદ અમને મળી છે અને તેના ઉપર કાર્યવાહી કરી ક્લોરિનની માત્રા વધારી દેવામાં આવી છે પરતું હાલમાં ડેમનું પાણી વિતરણ કરવામાં આવે છે તે માટે થોડું દૂષિત આવે છે. જોકે શહેરમાં રોગચાળાના વધતા કેસોને કારણે લોકોના જીવન પર માઠી અસર જોવા મળી છે ત્યારે પાલિકા લોકોના જીવન સાથે આવા ચેડા કરી રહી છે જેના લીધે લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે.