બગસરામાં આવેલું પ્રાચીન રતનેશ્વર મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોના ઘોડાપૂરથી ઉભરાયું હતું. આશરે ૩૦૦ વર્ષ જૂનું આ મંદિર દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ દરેક સોમવારે અલગ અલગ શણગાર સાથે ભગવાન શિવના દર્શન કરાવવામાં આવશે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે અદભુત શણગાર સાથે મહાદેવજીના દર્શન કરાવવામાં આવ્યા હતા. સવારથી જ હજારો ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. “હર હર મહાદેવ”ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
મંદિરમાં સવાર, બપોર અને સાંજની આરતીમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. શ્રાવણ માસ દરમિયાન અહીં સ્થાનિક અને દૂરથી આવતા ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે.