બગસરાની મામલતદાર કચેરીમાં સવારના સમયે અરજદારો સમયસર આવી જાય છે પરંતુ અધિકારીઓ સમયસર આવવામાં આળસ કરી રહ્યા હોય તેવું લાગે છે. બગસરાની અનેક કચેરીઓમાં કર્મચારીઓ સમયસર ઉપસ્થિત થતા ન હોવાથી અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. તાજેતરમાં જ બગસરાની મામલતદાર કચેરીમાં આવું ચિત્ર જોવા મળ્યું હતું. જેમાં કચેરી સાડા દસ વાગે શરૂ થતા જ અરજદારો પોતાના કામ માટે લાઈન બનાવી ઊભા રહી ગયા હતા. પરંતુ મામલતદાર કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ ૧૧ વાગ્યે પણ કચેરીમાં પહોંચ્યા ન હતા. જેને કારણે બહારથી આવતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત અરજદારોને જવાબ આપવામાં પણ અધિકારીઓ દ્વારા તોછડું વર્તન કરવામાં આવતું હોય તેવી પણ ફરિયાદો લોકોમાંથી ઉઠી છે. સરકારની ઢીલી નીતિને કારણે મામલતદાર કચેરીના કર્મચારીઓ બેફામ બની ગયા હોય તેને પોતાને ફરજનું ભાન કરાવવા ઉચ્ચ અધિકારીઓ રસ લે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.