રાજ્યના મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ પૂર્વે રાજ્યના તમામ શાળાઓમાં બાયસેગના માધ્યમથી સંબોધિત કરવાના હતા તેવા સમયે બગસરા પીજીવીસીએલ દ્વારા લાઈટ કાપ કરીને વીજ કચેરી મુખ્યમંત્રીના કાર્યક્રમ પ્રત્યે કેટલી સંવેદનશીલ છે તેનું ઉદાહરણ રજૂ કર્યું હતું. મળેલ વિગતો મુજબ બગસરા PGVCLની ગંભીર બેદરકારીને કારણે સરકારના એક મહત્વપૂર્ણ કાર્યક્રમ પર પાણી ફરી વળ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત ૧૭ જુનના રોજ રાજ્યની તમામ શાળાઓમાં એક વિશેષ લાઈવ સંબોધન કરવાનો મહત્વપૂર્ણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે, ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખી હાલમાં સમગ્ર રાજ્યમાં શાળાઓનો સમય સવારનો છે. આથી તમામ શાળાઓમા બાળકો, શિક્ષકો એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓ આ પ્રસારણ જોઈ શકે તે માટે સમગ્ર રાજ્યમાં તેનું પુનઃ પ્રસારણ ૧૮ના રોજ સવારે નિહાળવા શિક્ષણ વિભાગે સૂચના આપી હતી. પરંતુ બગસરા શહેરમાં સવારથી જ પીજીવીસીએલ દ્વારા વીજ કાપ મુકાતા આ પ્રસારણ નિહાળી શકાયું ન હતું અને શાળામાં બાળકો તથા વાલીઓ વીજળી આવવાની રાહ જોતા રહ્યા હતા.