બગસરાની મામલદાર ઓફિસમાં બપોરે રિસેસના સમયે પણ અધિકારીઓ-કર્મચારીઓની ગેરહાજરીમાં લાઈટ-પંખા અને એસી વગેરે ચાલુ રાખવામાં આવતા લોકોમાં નારાજગી વ્યાપી છે. લોકોની ફરિયાદ છે કે, બપોરના બે વાગે રિસેસ પાડવામાં આવે છે અને ફરી એક કલાક બાદ અધિકારીઓ ઓફિસે પરત આવતા હોય છે તે દરમિયાન એક કલાક સુધી લાઈટો-પંખા તેમજ એસી પણ ચાલુ રાખીને વીજળીનો દુરુપયોગ થાય છે. એક તરફ સરકાર દ્વારા સોલાર પેનલો લગાવો અને વીજળી બચાવો અને લોકોને પ્રદૂષણ મુક્ત રાખવાની મોટી વાતો કરવામાં આવે છે ત્યારે અહીંના અધિકારીઓ તો જાણે પોતાની મનમાની કરી સરકારના આવા વીજળી બચાવવાના હેતુનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સરકારી ઓફિસોમાં આવી રીતે બેફામ વીજળીનો ઉપયોગ કરવાથી પ્રજાની મહેનતના રૂપિયાનું આંધણ થઇ રહ્યું છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.