બગસરા નગરપાલિકાનું એકમાત્ર જેટીંગ મશીન માંડવી ખાતે મોકલવામાં આવતા શહેરની ભૂગર્ભ ગટર જામ થઈ ગઈ હોવાથી લોકોની હાલાકીમાં વધારો થયો છે. જેથી તાત્કાલિક જેટીંગ મશીનથી ગટરની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કચ્છના માંડવીમાં ભારે વરસાદને કારણે સમસ્યા સર્જાતા ચાર દિવસ પહેલા માંડવી ખાતે બગસરા નગરપાલિકાનું જેટીંગ મશીન કામદારો સાથે મોકલવામાં આવ્યું હતું જેથી શહેરની સફાઈ માટે જેટીંગ મશીન ઉપલબ્ધ નથી. હાલ વરસાદે વિરામ લીધો છે અને શહેરના છેવાડાના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર જામ થઈ છે જેના કારણે ગંધાતા પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યાં છે. આ બાબતે પાલિકા પ્રમુખે પ્રાદેશિક કમિશનરને પણ જેટીંગ મશીન બાબતે રજૂઆત કરી છે પરંતુ જેટીંગ મશીન કયારે પરત આવશે તે હજુ નક્કી નથી. જા શહેરની ગટર સાફ કરવામાં નહી આવે તો લોકોની હાલાકીમાં વધારો થશે. આ અંગે પ્રાદેશિક નિયામકે જણાવ્યું હતું કે, શહેરના પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે વહેલી તકે માંડવીથી જેટીંગ મશીન પરત આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. હાલ તો જેટીંગ મશીનના અભાવે શહેરીજનો ગટરના ગંધાતા પાણીનો સામનો કરી રહ્યાં છે. જેથી તાત્કાલિક જેટીંગ મશીન મંગાવી ગટર સાફ કરવા શહેરીજનોએ માંગ કરી છે.