બગસરાની કન્યાશાળામાં કરોડોના ખર્ચે બનેલા નવા મકાનમાં પહેલા જ વરસાદે ભેજ દેખાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રશ્નોત્સવમાં ફેરવાઈ ગયો હતો, જેમાં વાલીઓએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અર્પણ ચાવડા સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.વાલીઓએ લાંબા સમયથી બિલ્ડિંગની નબળી ગુણવત્તા અંગે ફરિયાદો કરી હતી, પરંતુ ઉપલા સ્તરેથી દબાણને કારણે તપાસને બદલે બિલ્ડિંગને યોગ્ય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ મકાનમાં ભેજ દેખાતા સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાનું સ્પષ્ટ થયું છે. વાલીઓએ કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટ ઇજનેરો સામે કાર્યવાહી ન થવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય રાઘવભાઈ સુરાણીએ જણાવ્યું કે નબળા બાંધકામ અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અને કોન્ટ્રાક્ટરને ચૂકવાયેલી રકમની માહિતી પણ આપવામાં આવતી નથી. વાલીઓએ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
શાળામાં અભ્યાસ કરતી ૩૦૦ થી વધુ દીકરીઓ પર જીવનું જોખમ
શાળાના જે મકાનમાં ભેજ આવે છે તે મકાનમાં ૩૦૦ થી વધુ દીકરીઓ ભણી રહી છે. નબળા બાંધકામને કારણે આ તમામ છોકરીઓ રામ ભરોસે શિક્ષણ મેળવી રહી છે. ભવિષ્યમાં કોઈ અઘટિત ઘટના ન બને તેની કોઈ ગેરંટી નથી.








































