બગસરા શહેરમાં ગત તારીખ ૨૬ ના રોજ તાજીયાના જુલુસ દરમિયાન વિજય ચોક વિસ્તારમાંથી હુડકો કોલોનીમાં રહેતા ૬૦ વર્ષીય માનસિક અસ્થિર મહિલા હમીદાબેન હનીફભાઇ ભટ્ટી ગુમ થયા હતા. આ અંગે તેમના પરિવારજનો અને સમાજના અગ્રણીઓએ પોલીસ મથકે અરજી પણ કરી હતી.
દરમિયાન, આજે શહેરના હુડકો વિસ્તારમાં આવેલી નર્સિંગ સ્કૂલની પાછળના ભાગમાંથી આ મહિલાનું હાડપિંજર મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હાડપિંજરને બગસરા સિવિલ હોસ્પિટલ ખસેડ્‌યું હતું, જ્યાંથી વધુ તપાસ અને ઓળખ માટે તેને ભાવનગર એફ.એસ.એલ. (FSL) ખાતે મોકલવામાં આવ્યું છે. પ્રાથમિક તારણ મુજબ કોઈ જંગલી જનાવરે મૃતદેહને ફાડી ખાધો હોવાની આશંકા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.