બગસરા તાલુકાના હામાપૂર ગામમાં ગત રાત્રે બે સિંહોએ ગાયનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટના ગામની મુખ્ય બજાર અને રહેણાક વિસ્તારમાં બની હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, રાત્રિ દરમિયાન બે સિંહો ગામમાં પ્રવેશ્યા અને રખડતા ઢોરને શિકાર બનાવ્યા. આ ઘટના થોડા દિવસો પહેલાં બનેલી મોટી ઘટના બાદ બની છે, જ્યારે સિંહોએ એક સાથે સાત ગાય અને બે વાછરડાનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને મારણને વન વિભાગની રેંજમાં ખસેડ્‌યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે ચિંતા વધારી છે.